3. ગાંધીજી-Gandhiji
મોહનદાસ કરમચંદ ગાંધી | |
---|---|
“રાષ્ટ્રપિતા” —મહાત્મા ગાંધી | |
જન્મની વિગત | ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત |
મૃત્યુની વિગત | ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત |
મૃત્યુનું કારણ | બંદુક વડે હત્યા |
રહેઠાણ | ભારત તેમજ દ.આફ્રિકા |
રાષ્ટ્રીયતા | ભારતીય |
હુલામણું નામ | દ.આફ્રિકામાં-ભાઇ ભારત આવ્યા બાદ-બાપુ |
અભ્યાસ | કાયદાની ઉપાધી |
વ્યવસાય | વકીલાત,સમાજસેવા |
વતન | પોરબંદર |
ખિતાબ | “રાષ્ટ્રપિતા” |
ધર્મ | હિંદુ |
જીવનસાથી | કસ્તુરબા |
સંતાન | હરીલાલ-મણીલાલ રામદાસ-દેવદાસ |
માતા-પિતા | પૂતળીબાઇ-કરમચંદ ગાંધી |
મહાત્મા ગાંધી
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.
અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની અહિંસાના પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા—સૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).
તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમનેઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.